બાળ વાર્તાઓ

બોઘ કથા - 1


બાદશાહ અકબરના દરબારમાં ઘોડાનો સોદાગર ઘોડા વેચવા આવ્યો. બે ઘોડી અદ્દલ સરખી દેખાય. સોદાગર કહે, ‘આમાં એક મા છે ને બીજી દીકરી છે. જો તમે કહી આપો કે મા કઇ અને દીકરી કઇ તો એક ઘોડી પર બીજી ફ્રીમા આપી દઉ.’ ભલભલા અશ્વનિષ્ણાતો કહી ન શક્યા. છેવટે બાદશાહે બિરબલને જવાબ શોધવા કહ્યું.
બિરબલે બંને ઘોડીને ખૂબ દોડાવી. પછી બંનેની પીઠ પર હાથ મૂકતાં એકને પસીનો થયો હતો, બીજાને નહોતો થયો. બીરબલે કહ્યું, ‘પસીનો છે તે મા છે, પસીનો નથી તે દીકરી છે.’ અકબર બાદશાહને એક ઘોડી મફત મળી.
(કથાબોધ : સોદાગરે ઘોડીના ભાવ બમણા કરી પછી એક પર એક ફ્રી આપવાની વાત કરી. વેચાણની આ યોજનામાં ગ્રાહકને બમણો સંતોષ મળે છે, એક પોતે બુદ્ધિમાન હોવાનો ગર્વ થાય છે. બે, તેને એક ઘોડી મફત મળી તેમ લાગે છે.)

બોઘ કથા - 2


રાજાની ભેંસ વિયાણી ને પાડો જન્મ્યો. રાણીને પાડો જોવાનું મન થયું તેથી પહેલા માળે જનાનખાનામાં નરબચ્ચાંને લાવવાનો હુકમ કર્યો. દાસી તાજા જન્મેલા પાડાને માવજતથી પહેલે માળે લઇ ગઇ. પછી રાણીને બચ્ચું ગમી જતાં તેને રોજ એક વાર ઉપર લાવવું તેવો હુકમ કર્યો.
આ નિયમિત ક્રમમાં બચ્ચું અલમસ્ત પાડો બની ગયું, છતાં ક્રમ ચાલુ રહ્યો. એક વાર રાજાના દરબારમાં એક પહેલવાન આવ્યો. તેણે પડકાર ફેંક્યો કે તે સૌથી વધુ વજન ઊચકી શકે છે. તેની સામે રાજાના બધા પહેલવાનો હારી ગયા. રાજા મૂંઝાયો ત્યારે રાણી મદદે આવી. તેણે પાડાવાળી વાત કહી પહેલવાનને પાડો ઊચકીને એક માળ ચડી જવાનો પડકાર ફેંકવા સલાહ આપી.
બીજે દિવસે દરબારમાં રાજાએ પહેલવાનને પડકાર ફેંક્યો. પહેલવાને મહા મહેનતે પાડાને ઊચક્યો તો ખરો, પરંતુ દાદર ન ચડી શક્યો. ત્યાં દાસી આવી, પાડાને ઊચકીને પહેલે માળે સડસડાટ ચડી ગઇ.
(કથાબોધ : રોજના મહાવરાથી સામાન્ય કારીગરો જે મુશ્કેલ કામ કરી શકે છે, તે નિષ્ણાતો કરી શકતા નથી. દરેક ઉદ્યોગ સંગઠને વ્યૂહાત્મક કામના મહાવરાવાળા કારીગરો તૈયાર કરવા જોઇએ. તેમના વડે હરીફને જીતી શકાય.)

કરે કોઈ ભરે કોઈ

સઉદી અરબમાં એક મહિલાએ એક ફાઈવ સ્ટાર હોટલના માલિક પાસે 5 મિલિયન સઉદી રિયાલ (લગભગ 9 કરોડ રૂપિયા) વળતર માંગતા તેના વિરુધ્ધ એક અનોખો કેસ દાખલ કર્યો છે. આ મહિલાનુ કહેવુ છે કે થોડા દિવસો પહેલા જ્યારે તેણી એ હોટલમાં રોકાઈ હતી ત્યારે ઘણા બધા મચ્છરોએ તેને કરડી-કરડીને હેરાન કરી નાખી હતી. આ મચ્છરોના કરડવાથી ખંજવાળી-ખંજવાળી તેની ચામડી લાલ થઈ ગઈ અને જેને કારણે તે બીમાર થઈ ગઈ. ત્યારબાદ મહિલાએ ડોક્ટર પાસે ચેકઅપ કરાવ્યુ અને ડોક્ટરની સલાહ પર હવે હોસ્પિટલમાં તેનો ઈલાજ ચાલી રહ્યો છે. આ ઘટનાથી ક્રોધે ભરાયેલ મહિલાએ હોટલના માલિક વિરુધ્ધ કેસ ઠોકી માર્યો. એવુ બતાવવામાં આવી રહ્યુ છે કે હોટલ માલિકે આ કેસને રફા-દફા કરવાની કોશિશ કરી હતી પણ તે કંઈ ન કરી શક્યો. હવે હોટલ માલિક આ કેસ માટે મહિલાને દોષ આપે કે પોતાના હોટલના મચ્છરોને ? 

 

પાણી પહેલા પાળ બાંધો


એક જંગલમાં ડુક્કર રહે. એક વાર તેને સરસ ભોજન મળેલું. તેણે એ ભાવતું ભોજન કરી લીધું. પછી નવરું પડયું એટલે ઝાડના થડ પર દાંત ઘસવા લાગ્યું. એટલામાં એક શિયાળ ત્યાંથી પસાર થયું. તેણે આ જોયું એટલે તેણે પૂછયું, ‘અરે ડુક્કર, તું અત્યારે દાંત કેમ ઘસે છે?’ શિયાળની વાત સાંભળી ડુક્કર કહે, ‘કોઈ હુમલો કરે તો બચાવ માટે દાંત અણીદાર બનાવું છું. આ સાંભળીને શિયાળને નવાઈ લાગી. તેણે કહ્યું, ‘પણ અત્યારે કોણ હુમલો કરવાનું છે? કોઈ શિકારી તો જંગલમાં છે નહીં.’ ડુક્કર શિયાળની વાત સાંભળી હસવા લાગ્યું. તેણે કહ્યું, ‘તારી વાત તો સાચી છે. અત્યારે તો કોઈ શિકારી નથી. પણ તે ક્યારે આવી પહોંચે તેની આપણને કંઈ ખબર છે? એ આવે ત્યારે દાંત ઘસવા ઓછું બેસાય! અત્યારે નવરાશ છે. અત્યારે ઘસી રાખ્યા હોય તો તે વખતે કામ લાગે. આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસાય. પહેલાંથી ચેતતાં રહેવું સારું.’ આમ કહી તે પાછું દાંત અણીદાર કરવા લાગ્યું. ડુક્કરને શાબાશી આપી    શિયાળ આગળ જતું રહ્યું. મિત્રો વાર્તાનો બોધ એ છે કે નવરાશના સમયમાં જ ભવિષ્યની સજ્જતા કેળવવી જોઈએ.









ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો